मुख्य सामग्री पर जाएँ
गीता मैत्री अंक ७जनवरी से जून २०२४
१४Linguistic Kaleidoscope

ઘાસની ગંજીમાં સોયની શોધ

ઘાસની ગંજીમાં સોયની શોધ

દિવસ રાત વધતા ભૌતિકવાદની નીચે દબાયેલા જીવનમાં જીવંત જીવન જાણે કે ઘાસની ગંજી બની ગયું હોય એવું નથી લાગતું? જાતને સંતુષ્ટ કરવા માટે પળે પળે ઉપસ્થિત થતા રહેતા અગણિત વિકલ્પોમાંથી કોઈ એક વિકલ્પની પસંદગી કરવી, પોતાના આત્મસંતોષ અને જીવનના ઉદ્ધાર માટે, એ કપરું ને કપરું નથી બનતું જતું? અનેક વિકલ્પો અજમાવતા-અજમાવતાં, “નેતિ નેતિ” કહેતાં-કહેતાં, ક્યાં ને ક્યાં પહોંચી જવાય, પણ દરેક વખતે એવું જ લાગતું હોય કે ના, આ તો નહીં જ.

તો આવી જીવનયાત્રા કેવી હોય? એક ઉદ્દેશ્ય, એક હેતુની શોધ માટે કેટકેટલી મથામણ ને ગૂંગળામણ? આવી અકળાવતી, મૂંઝવતી પરિસ્થિતિ રણ બનીને સમગ્ર અસ્તિત્વને દઝાડતી હોય ત્યારે એ ગંજીમાંથી સોય મળી જાય, એ તો ઈશ્વરની અસીમ કૃપા, વડીલોના આશીર્વાદ અને સંચિત સત્કર્મોનું ફળ જ ને?

વર્ષોથી લેખન અને અનુવાદનું કાર્ય કરતા રહ્યા પછી અચાનક એક વિચાર દિવસ-રાત મન-મસ્તિષ્કને હચમચાવતો રહ્યો, ઘમરોળતો રહ્યો. શ્રી ગીતાજી પ્રતિ સમજાય નહીં એવું, શબ્દાતીત અદમ્ય ખેંચાણ. ગીતાજી વિશે લખી શકવા જેટલી યોગ્યતા તો નથી જણાતી, પણ હા, અનુવાદ કરવો ચોક્કસ ચોક્કસ ગમે! તો … ક્યાંથી, કેવી રીતે, કયા લેખનનો અનુવાદ કરવો? ક્યાંય કોઈ માર્ગ દેખાતો નહોતો. એવામાં જાણે કે ગીતાજીએ મને શોધી કાઢી...

જાણવા મળ્યું કે ગીતા પરિવારમાં લેખન-અનુવાદના કાર્યની સેવા આપી શકાય છે!! તરત જોડાઈ ગઈ અને પ્રથમ સ્તર પૂરું થતાંમાં તો જાણે કાર્ય માટેની એક દિશા નહીં, અનેક દિશાઓ મળી ગઈ! ઘાસની ગંજીમાંથી સોય મળી ગઈ!

ઇચ્છા હતી, લેખન-અનુવાદની પણ પહેલી સેવા આપી સમૂહ સંચાલક તરીકે! પછી વિવેચન અને મેસેજ ટ્રાન્સ્લેશન ટીમમાં અને પછી પ્રચાર વિભાગમાં સેવા આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થતું રહ્યું અને ઓહો, ગીતા પરિવારની પ્રવૃત્તિમાં સેવા આપવા રૂપી સોય વડે કેટકેટલું સંધાતું રહ્યું!

ગીતા પરિવારની જે લાક્ષણિકતાઓ સૌથી વધુ ઊડીને આંખે વળગે છે તેમાંની પહેલી છે, વ્યાવસાયિક સંસ્થા ન હોવા છતાં, તેની વિશ્વ સ્તરીય કાર્યશૈલી. અદ્ભુત, અપ્રતિમ!! દરેક વિભાગ એવો કે તેમાં કાર્ય કરવાની અદમ્ય ઇચ્છા થઈ આવે. શ્રી ગીતાજીના અમૂલ્ય સંદેશને જીવનમાં ઉતારવા જેવી અત્યંત અઘરી લાગતી વાતને સાવ જ સરળ શબ્દોમાં, આબાલ-વૃદ્ધ સૌને એકાત્મતા લાગે તેવા ઉદાહરણો દ્વારા પ્રસ્તુત થતી જોઈ! સામાન્ય રીતે આ બધા ઉપદેશો હંમેશાં સાધુ-સંતો-સ્વામી-મહારાજ તરફથી આપવામાં આવતા હોય છે, પણ અહીં વાત ગીતાજીની જ છે, ઉપદેશ સ્વામીજીના જ છે, પણ પ્રસ્તુત કરનાર જાણે કે એક પરિવારજન જ છે, જેની સાથે આ પરિવારના સભ્યો પોતપોતાની રીતે આત્મીયતાથી બંધાય છે.

ગીતા પરિવારના રાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ પરમ આદરણીય શ્રી સંજયભાઈ માલપાણીજીનું વર્ષોની આદત બદલી નાખનાર ભોજન સંબંધિત અર્થ-વિવેચન સત્ર હોય કે ગીતા પરિવારના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ અભૂતપૂર્વ લોકપ્રિયતાના સ્વામી અને લાખો લોકોના હૃદયસ્થ શ્રી આશૂભાઈ ગોયલજીનું શબરી વિશેનું, સૌ શ્રોતાઓના હૃદયના ભાવોને અશ્રુધારાથી

વહેવડાવતું અવિસ્મરણીય વક્તવ્ય હોય કે મનોમંથન કરવાની બળજબરી કરે તેવું પુરંજન આખ્યાનવાળું અર્થ- વિવેચન સત્ર હોય કે પરમ શ્રદ્ધેય વિદૂષી વંદના વર્ણેકરજીનું લેખન સંબંધિત હૃદયમાં કોતરાઈ જાય એવું વ્યાખ્યાન હોય, દરેકે દરેક અર્થ-વિવેચન સત્ર તેમાં ઉપસ્થિત સર્વને આ વિશ્વમાં પોતાનું એક વિશ્વ બનાવ્યાની અનેરી અનુભૂતિ ચોક્કસ કરાવે. આ છે બીજી લાક્ષણિકતા. સરળતાથી સર્વોત્કૃષ્ટતાનું સિંચન અને પ્રસાર. આ વ્યક્તિગત માનસિક આત્મીયતા

જ છે જેના કારણે સેંકડો વિષાદયુક્ત, હતાશ, દિશાહીન માનવોને ઈશ કૃપાનું અમૃત પ્રાપ્ત થયું છે, થઈ રહ્યું છે અને થતું રહેશે.

23 જૂન 2020થી ઑનલાઇન વર્ગો શરૂ થયા તે પહેલી રચનાત્મકતા. દેશના અસ્તિત્વમાં નિહિત આધ્યાત્મિકતાના બળે કોરોના જેવી વૈશ્વિક મહામારીનો સામનો કરવાનો વિચાર કદાચ માત્ર ભારતમાં જ ઉદ્ભવી શકે! અને એ વિચારને પ્રેરણાદાયી સ્વરૂપે અમલમાં પણ કદાચ ભારત જ મૂકી શકે!

ત્યાર પછી અત્યાર સુધીમાં 13 ભાષાઓ અને 19 સમય સત્રો સાથે 185થી વધુ દેશોમાં વિસ્તાર પામેલો ગીતા પરિવાર રચનાત્મકતામાં મોખરે છે. વાર્તામાંની રાજકુંવરીની જેમ દિવસે નહીં એટલી રાત્રે અને રાત્રે નહીં એટલી દિવસે પ્રગતિ કરીને તે સાધકો અને સેવીઓના જીવનમાં અદકેરું સ્થાન ધરાવે છે તેના મૂળમાં છે નવીનતાઓનો અવિરત આવિર્ભાવ. ચાર વર્ષ કરતાં ઓછા સમયગાળામાં વિશ્વભરમાંથી જોડાયેલા લગભગ 10,000 સેવીઓ દિવસ-રાત જોયા વિના, દરેકેદરેક સૂચનાનું અને નિયમનું શ્રદ્ધાપૂર્વક પાલન કરીને જે ધન્યતા અનુભવે છે તે ખરે જ ગીતાજીની સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપક સર્વોચ્ચતાનું અને સાધકોના સંચિત સત્કર્મોનું પરિણામ હોય એવું પ્રતીત થાય છે.

ખૂબ જ ઓછા સમયમાં અકલ્પનીય રૂપે વિકસેલા ગીતા પરિવારમાં જોડાયા પછીનો દરેક દિવસ કોઈક ને કોઈક રીતે વિશિષ્ટ બની રહે છે. વ્યક્તિઓના જીવનમાં વ્યક્તિગત રૂપે અને સામૂહિક રીતે પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે આવતાં પરિવર્તનો ગંભીર અભ્યાસનો વિષય છે.

ઑનલાઇન વર્ગો કે જેમાં પ્રશિક્ષક અને સાધક એકબીજાને માત્ર ડિજિટલ સ્વરૂપે જ 'મળે છે', છતાં દરેક પ્રશિક્ષકની અદમ્ય ધીરજ અને નિષ્ઠા તથા સાધકની હિમાલય સમાન પ્રતિબદ્ધતા, નવું શીખવાનું તથા શીખતા રહેવાનું ગંભીર વલણ, પ્રશિક્ષકનો આબાલ- વૃદ્ધ સૌની સાથે સ્નેહાળ એકસમાન વ્યવહાર અને સાધકોનો પ્રશિક્ષક પ્રત્યે હૃદયના ઊંડાણમાંથી અનેક રીતે વ્યક્ત થતો આભાર. . . આ ગીતા પરિવારના એવા પાસા છે જેના વિશે મોકળા મને મનન-ચિંતન કરીએ તો સૃષ્ટિમાં દરેક જગ્યાએ, અણુએ અણુમાં ઈશ્વરની કૃપા વરસતી હોવાનો અનુભવ થાય. શ્રી ગીતાજીના ઉપદેશ સમજવાની સાધના કરવાની સાથે તેને જીવનમાં ઉતારવાની પ્રવૃત્તિ જાણે કે આપમેળે જ જોડાઈ જાય છે અને તે માનસિક ચેતનામાં સ્વયંભૂ શિવની

જેમ પ્રગટી જાય છે; અને તેમાં વધુ ઊંડા ઉતરતા જઈએ તેમ તેમ સેવા રૂપી સાધના કરવાની લગન પણ જાણે કે સિક્કાની બીજી બાજુ હોય! દરેક સેવી જ્યારે "શ્રીકૃષ્ણાર્પણમસ્તુ" કહે ત્યારે એ હૃદયના કેટલા ઊંડાણથી, કેટલી સત્યતાથી ઉચ્ચારાય છે તે સાચા અર્થમાં શબ્દાતીત છે.

સાંસારિક અગ્નિથી અનેક રૂપે દાઝેલા અગણિત માનવોને શ્રી ગીતાજીમાં સમાવિષ્ટ આધ્યાત્મિકતાના ઔષધથી શીતળ લેપ કરી નવજીવન પ્રદાન કરનાર ગીતા પરિવારની (બાળ સંસ્કાર કેન્દ્રોનો પ્રારંભ, ગીતાજીના અધ્યાયોનું પારાયણ વગેરે જેવી) પ્રવૃત્તિઓનો જે ઑફલાઇન પ્રચાર-પ્રસાર અને અમલ થઈ રહ્યો છે, તેને જોતાં આગામી થોડાંક જ વર્ષોમાં વધુ જોશથી, વધુ તીવ્રતાથી સાંસ્કૃતિક ક્રાંતિ થશે તે વિચાર અસ્થાને નથી.

જનસામાન્યને પશ્ચિમી સંસ્કૃતિના આક્રમણ સામે સંપૂર્ણ આત્મ-વિશ્વાસથી ઊભા રહેવાનું શીખવવામાં અને તેના અનુકરણથી અટકાવવામાં અકલ્પનીય રૂપે વિજયી થયેલા ગીતા પરિવારના પાયાના પાંચ સૂત્રો સદાકાળ વિસ્તરતા વટવૃક્ષની જેમ અગણિત માનવો માટે આત્મિક આશ્રયસ્થાન બનતા રહેશે.

એક સાચા સંતના હૃદયમાં કોઈક દૈવી ક્ષણે જનકલ્યાણ માટે, 'સર્વ જન હિતાય' ઉદ્ભવેલી તીવ્ર ઇચ્છા જ્યારે દૃઢ સંકલ્પ-શક્તિથી અમલમાં મુકાય છે ત્યારે કઈ રીતે ઈશ્વર ડગલે ને પગલે સાથ આપે છે તેનું તાદૃશ ઉદાહરણ છે, ગીતા પરિવારના સંસ્થાપક અધ્યક્ષ પરમ પૂજ્ય સ્વામીજી શ્રીગોવિન્દદેવ ગિરિજી દ્વારા વર્ષ 1986માં સ્થાપિત ગીતા પરિવાર અને તેની અનેકવિધ પ્રવૃત્તિઓ. ગીતા પરિવારના માધ્યમથી જીવનમાં જીવંતતા ઉમેરવા બદલ, ઈશ્વર હોવાના અનુભવો બળવત્તર બનાવવા બદલ, સાધના અને સેવા થકી અમૂલ્ય અનુભવોના ધારા- પ્રવાહો વહેવડાવવા બદલ, નિત્ય-નવીન દૃષ્ટિકોણ પ્રસ્તુત કરવા બદલ અને સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિની એક અનેરી ચેતના પ્રસરાવવા બદલ સ્વામીજીના ચરણકમળમાં કોટિ કોટિ વંદન સહ અનન્ત આભાર. સૌહાર્દપૂર્ણ સહકાર થકી સેવાકાર્યમાં ધન્યતાના અનુભવો કરાવતા સૌ ગીતા પરિવારજનોનો હૃદયના ઊંડાણથી આભાર.

ગીતા પરિવાર, સૌ પરિવારજનો અને પરિવારની પ્રવૃત્તિઓ નિરંતર વિકસતી રહે અને સમગ્ર વિશ્વ કલ્યાણ માર્ગે પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ સાથે, જય ભોલે, જય શ્રીકૃષ્ણ.

  • Jagruti Trivedi, Varodada
मूल अंक के पृष्ठ देखें ३ पृष्ठ
मूल अंक, पृष्ठ १०३मूल अंक, पृष्ठ १०४मूल अंक, पृष्ठ १०५